મકતુપુર ગામનો ઈતિહાસ
મકતુપુર ગામના ઇતિહાસના મૂળ ખુબ ઊંડા છે. આ ગામ પ્રાચીન સમયનું ગામ હોય તેમ જણાઈ આવે છે. જુનું ગામ દટાઈ ગયેલુ છે. ગામની ઉત્તરે આવેલા ગૌચરમાંથી દોઢથી બે ફૂટની સમચોરસ ઈટો મળી આવેલ છે. ત્યાં મકતુપુર ગામ પહેલા હતું તેમ લોકોનું માનવું છે. ગામના પ્રસંગોપાત્ત ખોદકામ કરતા જુના વખતના રમકડાના નમુના , ચાંદીના કે પંચધાતુના સિક્કા, માટીની લગભગ ૧૧ થી ૧૨ ફૂટ ઉંચી કોઠીઓ, કોસાની દસ દસ થાળીઓના થોક વીગેરે મળી આવેલ છે. આ ઉપરાંત ગામમાં ખોદકામ દરમ્યાન શિલાલેખ મળી આવેલ છે. તે સવા ફૂટ પહોળો અને પોણા બે ફૂટ લાંબો છે. આ પથ્થર ઉપરનું લખાણ દેવનાગરી લિપિમાં લખેલ છે. તે લખાણ સ્પષ્ટપણે વંચાય છે. તેમાં લખેલું લખાણ આ પ્રમાણે છે. “सवंत १ १०४२ जैन महिरपुर वणिक मंदिर” આ શિલાલેખનો નીચેનો ભાગ તૂટી ગયેલ છે, તેથી નીચેના ભાગના લખાણવાળો ટુકડો મળતો નથી. તેથી વિશેષ માહિતી મળતી નથી. આ પથ્થરમાં ઉપરના ભાગ ઉપર ગાયને ધાવતા વાછરડાની કોતરણી છે અને એક ભાગ ઉપર સૂર્ય છે. આ પથ્થર મંદિરના ખાતમુર્હત વખતે કોતરીને મુક્યો હોય અગર તો મંદિર પૂર્ણ થયા બાદ લખાણ લખીને મુકાયો હોય તેમ અનુમાન કરી શકાય. આ ઉપરાંત મકતુપુર ગામમાંથી મહાવીર ભગવાનની અખંડિત મૂર્તિ મળી આવેલ છે. તે પોણા બે ફૂટ ઉંચી અને એક ફૂટ પહોળી છે. તેમજ બૌધ્ધ ભગવાનના મસ્તકનો ભાગ મળી આવેલ છે. ગામમાં હાલ વાણીયા નથી પણ મહાવીરની મૂર્તિઓ, ભગવાન બૌધ્ધની પ્રતિમાનું ખંડિત મસ્તક, શિલાલેખનું લખાણ, આ બધા ઉલ્લેખ ઉપરથી એમ અનુમાન બાંધી શકાય છે કે, આ ગામમાં કોઈ કાળે જૈન વાણીયાઓની બોલબાલા હશે. સવંત ૧૦૪૩ માં મકતુપુર ગામનું નામ મહીરપુર હતું એમ આ શિલાલેખ ઉપરથી પ્રકાશ પડે છે. કદાચ તર્કદ્રષ્ટીએ આ ગામનું નામ મહીરપુર – મહાવીર ભગવાનના નામ ઉપરથી “ મહાવીરપુર” ને ટૂંકાવીને “મહીરપુર” થયું હોય, જૈન વણિકોએ પાડેલું હશે. જેથી બૌદ્ધ ધર્મ પાળનાર લોકો પણ હશે. સીતારામભાઈ બારોટના ચોપડે મળતી માહિતીના આધારે સવંત ૧૦૧૩, મહા સુદ બીજના મંગળવારના દિવસે મકતુપુર ગામનું તોરણ બાંધવામાં આવ્યું હતું, આ ગામનું તોરણ બાંધનાર પાટીદાર ધરમસિંહદાસ વસાદાસ હતા. તે વખતે આ ગામમાં ૯૦૦ નાડીનું જૂથ હતું, ૯૪ કુવા હતા, ૧૬ સરકારી ચોરા હતા, તે વખતે પાટીદાર , વાણીયા, રાજપૂત, કંસારા , હુબડ, નાગર, સિપાઈ, ધોબી, ઘાંચી, સુથાર, દરજી, આંજણા, મોચી, રબારી, ભેમાત, અને વોરા આ ગામમાં હતા. આ ગામના પ્રથમ પાટીદાર વંશજો ઉજૈન, કાશી, અને અયોધ્યાથી અણહિલપુર પાટણમાં જઈ સવંત ૯૧૧ માં સિદ્ધપુર તાલુકાના ઉપેરા ગામમાં ગયેલા, ઉપેરામાં પટેલ ધરમસિંહદાસ ખળું જોખતા હતા ત્યારે ઝગડો થતા સાત માણસોને મારીને તેઓ નાસીને મકતુપુર ગામે આવીને રહેલા. સવંત ૧૨૧૫ માં પટેલ જાંજણભાઈએ મકતુપુરમાં વાવ ખોદાવી હતી. વાવ ખોદાવવાનો કુલ ખર્ચ ૪૦૦૦/- થયેલ હતો. આ વાવનું પાણી મારકણું મનાતું હતું. તેથી વાવનું નામ “શુરાતણીઆ વાવ” પાડવામાં આવ્યું હતું. આ વાવનું પાણી પીનારને શુર ચડતું અને તે ઝગડો કરતા હતા. આ કારણે આ વાવ સવંત ૧૪૩૯ માં દાટી દેવામાં આવી. આ વાવ ૧૩ હાથ જમીનમાં દાટેલી છે. આ માહિતી આજે પણ બારોટના ચોપડા ઉપર નોધાયેલી મળેલ છે. તેમજ વાવ વિશેની લોકવાયકા આજે પણ ગામમાં સાંભાળવા મળે છે. લગભગ ૧૫૦ વર્ષ પહેલા લોકો (પાટીદાર) ઘરે રેટીઓ કે ચરખો રાખતા હતા. ઘરે કાંતતા હતા, કાંતેલું સુતર વણકરને આપતા, તે વણી આપતા અને તે કાપડ તેઓ પહેરતા હતા. તે સમયના લોકો વધુ કરકસરીયા, મહેનતુ અને સશક્ત હતા. ગામમાં હાલમાં જે કડવા પાટીદારો છે તે નવા છે, લગભગ ૧૫૦ વર્ષ પહેલા આવીને વસેલા છે. પહેલા પણ કડવા પાટીદારો હતા, તેઓ પાંચોટીયા તરીકે ઓળખાતા હતા. તેઓ મકતુપુર છોડીને ચાલ્યા ગયેલા, તેમની સાથે ગામ છોડનાર હવાણા અને ઓજણા પણ હતા. ત્યારબાદ લેઉવા કુટુંબ નવેરીયા, ગવાડીયા, જેરતિયા અને વાલી શાખાથી ઓળખાતા પાટીદારો મકતુપુરમાં આવીને વસ્યા હતા મુસ્લિમ અને રબારી કોમ મૂળ જુના વખતથી મકતુપુરમાં હતી. ગામની સ્થાપના વખતથી જ તેઓ મકતુપુરમાં છે. જયારે કુંભાર, દરજી, રાવળ, વિગેરેને બહારથી બોલાવી વસાવેલ છે. નવીન આવનાર કડવા પાટીદારોમાં તારવોત, મોખાત, ગોઠી, પરાસળા, ભાંમોટ, તરોગડી વિગેરે શાખાના પાટીદારોનો સમાવેશ થાય છે.